દેશભરમાં દિવાળીની અલગ જ રોનક જોવા મળી રહી છે. આ પર્વ નિમિત્તે રોશની કરવી, નવા કપડાં ખરીદવા માટે માર્કેટમાં કિડીયારૂ ઉભરાય છે. ત્યારે આ પર્વ પર મીઠાઇ ખાઇ અને ખવડાવીને મીઠી શુભેચ્છાઓ પાઠવવાનું ચલણ હાલના દિવસોમાં વધ્યું છે. ત્યારે વડોદરાના જાગૃત નાગરિક દ્વારા કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે હનુરામ સ્વીટ્સના સ્ટોલ પરથી મીઠાઇ ખરીદી હતી. દિવાળી પર્વ પર ખરીદેલી મીઠાઇની એકસપાયરી ડેટ એક અઠવાડિયામાં પુર્ણ થતી હોવાથી તેઓ આશ્ચર્યમાં મુકાયા હતા. આ અંગે સ્ટોલ પર જવાબદાર વ્યક્તિને પુછતા તેણે ઉડાઉ જવાબ આપતા કહ્યું કે, આટલું તો ચાલે જ ને.
કારેલીબાગ વિસ્તારમાં રહેતા જાગૃત નાગરિક દિપ તેમના અનુભવને લઇને જણાવે છે કે, દિવાળી પર્વ પર દર વર્ષે હું મોટા પ્રમાણમાં મીઠાઇ ખરીદું છું. અને સ્વજન અને અત્યંત નિકટના લોકોને ભેંટ સ્વરૂપે આપું છું. આજે સવારે શહેરના મુક્તાનંદ સર્કલ પાસે આવેલા હનુરામ સ્વીટ્સના કાઉન્ટર પરથી મીઠાઇના બોક્સ ખરીદ્યા હતા. બોક્સ ખરીદીને ઘરે લાવ્યા બાદ જોયું તો મોટાભાગના બોક્સ પરની એક્સપાયટી ડેટ લાભપાંચમ પહેલાની છે. એટલે કે મારે એક અઠવાડિયામાં બઘાયને પહોંચાડવી પડે. અને ત્યાર બાદ જે તે વ્યક્તિએ તેને ખાઇ લેવી પડે. એક અઠવાડિયા બાદ તે ખાવાલાયક ન રહે. આપણે મીઠાઇની ખરીદી વખતે કિંમત ખાસ જોતા હોઇએ છે. પરંતુ તેની એક્સપાયરી ડેટ નથી જોતા હતા. પરંતુ આજના કિસ્સા પરથી મારી તમામને અપીલ છે કે, એક્સપાયરી ડેટ જોવાનું રાખે નહિ તો ભુલમાં કોઇ બિનઆરોગ્યપ્રદ મીઠાઇ આરોગી જાય તો તે આપણા માથે આવે.
આ સાથે જ જ્યારે એક્સપાયરી ડેટ અંગે મેં સ્ટોલ પર જવાબદાર વ્યક્તિનું ધ્યાન દોર્યું તો તેણે ઉડાઉ જવાબ આપતા કહ્યું કે, આટલું તો ચાલે જ ને. ખાદ્ય પદાર્થોમાં આ પ્રકારની અચોક્સાઇ બિમારી નોતરી શકે છે. આ અંગે મારા મિત્રનું ધ્યાન દોરતા તેણે કહ્યું કે, આ પ્રકારની ગફલત કોર્પોરેટ ગિફ્ટમાં પણ ચાલે છે. હવે માત્ર માર્કેટિંગના જોરે મિઠાઇનો ધંધો કરનારાઓથી લોકોએ ચેતવું જોઇએ. અને એક્સપાયરી ડેટ જોઇને જ ખરીદી કરવી જોઇએ, નહિ તો પૈસા પડવાની સાથે સંબંધો પણ ગુમાવવા પડી શકે છે.