પાર્થ બી. પંડ્યા (WatchGujarat).રાજ્યભરમાં યોજાયેલી પાલિકાની ચૂંટણીને ગતરોજ 1 વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે વડોદરાવાસીઓના મતથી ચૂંટાઈને આવેલા કોર્પોરેટર કેટલા સક્ષમ છે તેવી અનેક કરતૂતો સામે આવી ચૂકી છે. ભાજપના એક કોર્પોરેટર પર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પોતાના મળતીયાઓને ઘર અપાવવાના આરોપ લાગ્યા છે તો ભાજપના એક કોર્પોરેટરે વેરાન વગડા જેવી પોતાની જગ્યાની બાજુમાં પાક્કો રોડ બનાવી પોતાની જમીનના ભાવ ઊંચા કરી દીધા છે. ત્યારે હવે મહિલા કોર્પોરેટર છાયા ખરાદીની પુત્રીએ તો એક વૃદ્ધની સેવા ચાકરી કરી હોસ્પિટલ લઈ જવાનું કહી તેમની વિલ બનાવી સહી કરવી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
સમગ્ર ઘટનામાં ભોગબનનાર નિવૃત્ત જીવન ગાળતા ગોપાલભાઈ શાહે તેમની આપવીતી જણાવતા watch gujarat.com સાથે વાત કરતા કહ્યું કે, હું અજિતા નગરમાં રહું છું. મારી પત્નીનું વર્ષ 2015માં અવસાન થયું હતું. અમારે કોઈ સંતાન નથી. હાલના અમારા વિસ્તારના કોર્પોરેટર છાયાબેન ખરાદીને છેલ્લા 4 વર્ષથી ઓળખું છું. ચૂંટણી ટાણે ફેરનીમાં વધારે મળવાનું થતા તેમનો વધારે પરિચય થયો હતો. ત્યાર બાદ કોરોના કાળમાં હું વર્ષ 2021 માં બીમાર પડ્યો હતો. ઉંમર થવાને કારણે અશક્તિ વધારે રહેતી હતી. તેવામાં મેં છાયાબેન ખારાડીનો સંપર્ક કરીને તેમની મદદ માંગી હતી. બહેન અને તેમની દીકરીએ થોડાક સમય સુધી મદદ પણ કરી, તેઓ જમવાનું લાવી આપતા તથા જરૂરી દવાઓની વ્યવસ્થા પણ કરી આપતા હતા. ત્યાં સુધી બધું બરાબર ચાલ્યું હતું.
વધુમાં આરોપ મુકતા ગોપાલભાઈ શાહે જણાવ્યું કે મે, 2021 માં મારી તબિયત નાદુરસ્ત હતી અને શરીરમાં ભારે અશક્તિ રહેતી હતી ત્યારે છાયાબેન મને હોસ્પિટલ લઈ જવાનું કહીને કુબેર ભવન લઈ ગયા હતા. જ્યાં કુબેર ભવનના છઠ્ઠા મળે તેમની પુત્રી નીતિ ખરાદી હાજર હતી અને છાયા બેન અને તેમના પતિ નીચે હાજર હતા. ત્યાં દસ્તાવેજો પર સહી કરવી લીધી હતી. ત્યાર બાદ મને પરત મૂકી ગયા હતા. આ વાતને થોડાક દિવસો વીત્યા ત્યાં તેમણે મને કીધું કે તમારું વિલ બનાવી દીધું છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં તરત જ કહ્યું કે કોઈની જાણ બહાર વિલ બનાવવું ફોજદારી ગુનો બને છે. તારે એવું ના કરવું જોઈએ. જો કે સાચી સમજ આપ્યા બાદ તેઓનું મારા તરફનું વર્તન બદલાઈ ગયું. અને મને ઊંધા છત્તા જવાબ આપવાનું શરૂ કરી દીધું. અત્યાર સુધી મને મારી જાણ બહાર બનાવેલી વિલની કોઈ કોપી મળી ન હતી. વિલમાં ત્રણ માળનું ઘર, ફિક્સ ડિપોઝીટ, સેવિંગ એકાઉન્ટ, તથા હાલની રકમ – દગીનનો ઉલ્લેખ છે. વિલમાં ગોપાલભાઈના મૃત્યુ પછી તમામની હકદાર નીતિ રાજેન્દ્ર ખરાદી હોવાનું લખવામાં આવ્યું હતું.
વાત આટલેથી નહીં અટકતા વધુમાં ગોપાલભાઈ શાહે ઉમેર્યું કે, હું મારા ઘરમાં વીંટી, ફિક્સ ડિપોઝીટ અને તિજોરીની ચાવી એક ડોલચામાં મૂકી રાખતો હતો. તે પણ ગાયબ છે. મેં અનેક વખત બેનને કહ્યું કે તમે જે કર્યું તે ખોટું છે પણ તેઓ કોઈ મચક આપતા ન હતા. આખરે મારાથી ન રહેવાયું એટલે મેં અમારા જ વિસ્તારની કોર્પોરેટરોની પેનલમાં આવતા ડો. રાજેશ શાહને જાણ કરી. તેઓએ તુરંત આ મામલે મનુભાઈ ટાવર કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહનો સંપર્ક કરવાનું સૂચન કર્યું હતું.
ગોપાલભાઈ શાહ વધુમાં ઉમેર્યું કે, ડો. વિજય શાહને જાણ કરવા હું કાર્યાલય પહોંચ્યો હતો. ત્યારે તેમણે મારી વાત સાંભળી અને મને 2 દિવસ રોકવવા માટે કહ્યું. બે દિવસ બાદ મને મારી જાણ બહાર કરવામાં આવેલી વિલની કોપી મળી હતી. ત્યાર બાદ છાયાબેન ખરાડીના પતિએ મારા ઘરે આવી કહ્યું કે બોલો વિલનું શુ કરવું છે ? મેં કહ્યું કે કેન્સલ જ કરાવવી પડે બીજું કંઈ નહીં. ત્યાર બાદ મને કારમાં લઈ જઈ વિલ કેન્સલ કરાવવા માટે દસ્તાવેજી પ્રક્રિયા કરી. આજે વિલ કેન્સલ થયાના દસ્તાવેજો થઈ ગયા છે.
ગોપાલભાઈએ ખાલી ડોલચુ બતાવીને કહ્યું કે, આમાં હું વીંટી, તિજોરીની ચાવી અને ફિક્સ ડિપોઝીટ મુકતો હતો. આજે ખાલી છે. આ અંગે પૂછતાં ગોળ ગોળ જવાબ આપે છે. હજી પણ તિજોરીની ચાવી પરત મળી નથી. 5 લાખની ડિપોઝિટના કોઈ ઠેકાણા નથી. વીંટીઓ અંગે કઈ પૂછું તો જવાબ મળે છે કે, શુ હું બજારમાંથી લઈને તમને પછી આપું.
ગોપાલભાઈ શાહની જાણ બહાર 20/052021 ના રોજ વિલ બનાવી લેવામાં આવી હતી. આ અંગે 27/08/21 ના રોજ પોલીસમાં રજીસ્ટર એડી કરીને હરણી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ મોકલી હતી. ત્યાર બાદ તેમનો જવાબ લેવામાં આવ્યો હતો પછી કોઈ કાર્યવાહી નહિ થઈ હોવાનું તેમને જણાવ્યું છે. ડો. વિજય શાહને મળ્યા બાદ ગોપાલભાઈ શાહની વિલને રદબાતલ કરાવવાનો વધુ એક દસ્તાવેજ થયો હતો. જેની એન્ટ્રી 08/09/21 ના રોજ પાડવામાં આવી છે. સમગ્ર મામલે ગોપાલભાઈએ મુખ્યમંત્રી કાર્યાલયને પણ પત્ર લખ્યો છે. જે અંગે હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આજે હરણી પોલીસના જવાનોએ ગોપાલભાઈની મુલાકાત લીધી હોવાનું તેઓએ જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ચૂંટાયેલા કોર્પોરેટર કાયદા અને કાનૂન થી પર હોય તેવો વ્યવહાર કરી રહ્યા છે. જે શહેર માટે અત્યંત જોખમી છે. જો આ રીતે કોર્પોરેટરોને છુટ્ટો દોર મળી જશે તો શહેરની શુ દશા થશે તેનો અંદાજો લગાડવો મુશ્કેલ છે.
Source : WatchGujarat.com