કોરોના મહામારી બાદ આ વર્ષે નવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે વડોદરાના પ્રખ્યાત યુનાઈટેડવે ના ગરબા માટે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ ગઈ કાલે નવરાત્રીના પહેલા જ દિવસે યુનાઈટેડ વે ના ગરબા ગ્રાઉન્ડમાં પહોંચતાની સાથે ખેલૈયાઓ નિરાશ થયા હતા. ગરબા ગ્રાઉન્ડમાં સાફ સફાઈના અભાવે મોટી મોટી કાંકરીઓ વાગતા ખેલૈયાઓએ લયબદ્ધ નારા લાગ્યા હતા. ખેલૈયાઓ દ્વારા કરવામાં આવેલી નારેબાજીનો વાયરલ થઇ રહ્યો છે. ત્યારે આ મામલો હવે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પહોંચ્યો છે. વડોદરાના એક ખેલૈયા દ્વારા યુનાઈટેડ વે ઓફ બરોડાના સંચાલકો સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના નવાપુરા વિસ્તારમાં આર.વી.દેસાઈ રોડ ખાતે આવેલી સાધના કોલોનીમાં રહેતા વિરાટસિંહ શિવરાજસિંહ વાઘેલા વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમના દ્વારા યુનાઈડેટ વે ઓફ બરોડના સંચાલકો સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. વડોદરાના ગ્રાહક સુરક્ષા કોર્ટના જજ સમક્ષ રજુઆત કરતાં ફરીયાદી જણાવ્યું હતું કે, યુનાઈટેડવેના સંચાલકો દ્વારા આ વર્ષે કલાલી વડોદરા ખાતે આવેલું એક મેદાન ભાડેથી લઈ ત્યાં ગરબાનું આયોજન કર્યું છે. અને આ વર્ષે તેઓ દ્વારા ગરબા રમવા માટે ખેલૈયાઓ પાસેથી ડોનેશનના નામ પર ફરજીયાત પાસ છપાવી તે પાસ માટે રૂ.4838 (પુરુષ) એક વ્યક્તિ દિઠ ઉઘરાવીને આયોજન કર્યું છે. હું શહેર વડોદરામાં વકીલાતનો વ્યવસાય કરું છું. તાજેતરમાં યુનાઈટેડ વે સંસ્થા પાસેથી મારા અને મારા ઘરના સભ્યો માટે મે ઓનલાઈન પાસ બુક કરાવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે, ગઈ કાલે નવરાત્રીની પહેલી જ રાત્રે હું અને મારો પરિવાર ગરબા રમવા માટે યુનાઈટેડવેના ગરબા ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા. ત્યારે તે સમયે ગરબા ગ્રાઉન્ડમાં કોઈ પણ જાતની સાફ સફાઈ કરેલી ન હતી. અને આજુબાજુમાં જંગલી ઝાડીઓ પણ ઉગેલ હતી. જેથી અમને અને અન્ય ગરબા ખેલૈયાઓને ગરબા રમતા સમયે પગમાં મોટા મોટા પથ્થરો વાગ્યા હતા. જેના કારણે મારા અને મારા પરિવારના સભ્યોના પગમાં પથ્થરો વાગવાના કારણે સોજા આવી ગયા છે. જે બાબતની જાણ મે સદર સંસ્થાના સંચાલકોને કરી હતી. પરંતુ યુનાઈટેડવે ના સંચાલકો દ્વારા અમારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. તેઓએ અમને કહ્યું કે, સંસ્થા પાસે એટલી રકમ જમાં થયેલી નથી કે ગ્રાઉન્ડની સાફ સફાઈ કરી શકાય. અને સદર ગ્રાઉન્ડ ભાડેથી લીધેલુ છે. જેથી અમારાથી વધુ કોઈ સુખ સુવિધા કરી શકાય નહીં. જેથી તમારે થોડા દિવસ રાહ જોવી પડશે અને જો તમોને રાહ જોવી ન હોય તો બીજા વધઉ રૂપિયાની વ્યવસ્થા કરી આપો. તો આ ગ્રાઉન્ડ વ્યવસ્થિત રીતે સાફ સફાઈ થઈ જાય.
આ સમયે તેઓને જવાબ આપતા અમે કહ્યું કે, જ્યારે આ ગ્રાઉન્ડ માટે પાસ બુક કરતા હતા તે સમયે અમને જણાવાયું હતું કે આ રકમ સંસ્થાના હિત માટે અને જરૂરીયાત મંદ વ્યક્તિઓ માટે વસુલ લેવામાં આવે છે. જેથી આ વખતે રૂ.4838 કિંમત વસુલ કરીએ છીએ. તમે જ્યારે ગ્રાઉન્ડમાં ગરબા ગાવા આવશો તો તમને ગ્રાઉન્ડ ચોખ્ખુ મળશે અને ગ્રાઉન્ડમાં ઘણી બધી સુવિધાઓ પણ રાખેલ છે. પરંતુ નવરાત્રીના પહેલા જ દિવસે ગ્રાઉન્ડમાં કોઈ પણ જાતની સુખ સુવિધા જણાઈ આવેલ નહીં. અને જ્યારે ગરબા ગાવાની શરૂઆત કરી તો અમારા પગમાં ગ્રાઉન્ડમાં પડેલા ઘણા જ મોટા પ્રમાણમાં પથ્થરો અને જંગલી ઝાડીઓ વાગ્યા હતા. જેના કારણે અમારા પગમાં સોજા આવી ગયા છે.
વિરાટસિંહ વાઘેલાએ વધુમાં ફરિયાદમાં જણાવ્યું કે, યુનાઈટેડવે દ્વારા માંગણી મુજબની રકમ આપેલ હોવા છતાં ખેલૈયાઓને કોઈ પણ જાતની સુવિધાઓ મળેલી નથી. અને જ્યારે આ બાબતે અમે સંસ્થાના ઓર્ગેનાઈઝરને રજૂઆત કરી, તો તેઓએ અમારી સાથે ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કર્યું હતું. અને અમને કહ્યું કે, તમારા પૈસા તમને પાછા મળશે નહીં, આવું તો થાય તમારે ચલાવવું પડશે. જેથી ફરિયાદી દ્વારા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં યોગ્ય વળતર મેળવવા માટે રજુઆત કરાઈ છે. જેમાં ફરિયાદીએ તેઓને માનસીક રીતે થયેલ હેરાનગતિના, ઉપરાંત ગરબા રમવા માટે ખરીદ કરેલ ટ્રેડીશનલ કપડાના ખર્ચ અને સીટી વિસ્તારમાંથી કલાલી જવા આવવાના વળતરની રકમ યુનાઈટેડવેના સંચાલકો પાસેથી વસુલ કરી અપાવવા માટે રજુઆત કરાઈ છે. આ સાથે રૂ. 2 લાખની રકમ વળતર પેટે સંચાલકો પાસેથી વસુલ કરી તેને ગ્રાહક વેલફેર ફંડમાં જમા કરાવવામાં આવે. અને ફરિયાદના ખર્ચના રૂ.25 હજાર અમને અપાવવા માટે ફરિયાદીએ માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ બનાવને લઈને ગઈ કાલે ખેલૈયાઓ દ્વારા ગરબા ગ્રાઉન્ડમાં જ પથ્થર પથ્થરના નારા લગાવવામાં આવ્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે. ત્યારે હવે આ મામલે ફરિયાદ થતા ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.