સંતાનો માટે માતા-પિતા બંનેનું મહત્વ સરખું હોય છે. પરંતુ માતા વિશે વધુ લખાયુ, કહેવાયું છે તેટલું પિતા વિશે નથી કરાયું. જેથી તેમનું બલિદાન સામાન્ય રીતે માતાની તુલનામાં ઓછું આંકવામાં આવે છે. પરંતુ ફાધર્સ ડે પર વડોદરાના પિતાના બલિદાનની કહાની તમારૂ દિલ દહેલાવી દે તેવી છે. માતાના અવસાન બાદ પુત્રનું ભણતર ન બગડે તે માટે પિતાએ ફૂટપાથ પર રહી તડકો, છાંયડો અને વરસાદ વેઠ્યો હતો. આજે પુત્ર ધો. 8 માં અભ્યાસ કરી રહ્યો છે.
18 જૂનનો દિવસ દુનિયામાં ફાધર્સ ડે તરીકે ઉજવાય છે. આમ તો, કોઇ પણ સંતાનનો પહેલો હીરો તેના પિતા જ હોય છે. પિતા એવું પાત્ર છે કે, સંતાનો માટે કેટલું ય જતું કરી દે, છતાં મોંઢામાંથી એક શબ્દ પણ ન કાઢે. આજે વડોદરામાં આવીને વસેલા અને કપરા દિવસો જોયેલા એક પિતાની કહાની તમારા સમક્ષ કરવા જઇ રહ્યું છે.
• ભાવેશના જન્મના આશરે 4 વર્ષ બાદ મારી પત્નીનું નિધન થયું
મુળ મહેસાણા પાસેના ગામના ભરતભાઇ દેવીપૂજક આજથી આશરે 15 વર્ષ પહેલા તેમના પત્ની સાથે વડોદરામાં કામ શોધવા માટે આવ્યા હતા. ભરતભાઇએ જણાવ્યું કે, વડોદરામાં આવ્યા બાદ દુકાનમાં કામ શરૂ કર્યું હતું. ત્યારે હું અને મારી પત્ની ભાડાના મકાનમાં રહેતા હતા. દાંપત્ય જીવન દરમિયાન અમને સંતાનમાં એક પુત્ર ભાવેશ છે. ભાવેશના જન્મના આશરે 4 વર્ષ બાદ મારી પત્નીનું નિધન થયું હતું. ત્યાર પછી જીવનના કપરા દિવસો શરૂ થયા હતા. ક્યારેક કામ મળે અને ક્યારે કામ ન પણ મળે, જેમ તેમ દિવસો પસાર કરતા હતા. આ સમયે મકાનનું ભાડું આપી ન શકવાને કારણે ભાવેશ સાથે રોડ પર આવી જવું પડ્યું હતું. પણ મનમાં એવી ઘગશ કે જે કંઇ થાય મારા સંતાનનું ભણવાનું બંધ ન થવું જોઇએ.
• આજે બેંકની ચોપડી ક્યાં છે તેની ખબર નથી
વધુમાં ભરતભાઇ જણાવે છે કે, રોડ પર આવ્યા બાદ જે કોઇ જમવાનું આપે તે જમી લેતો, કામ મળે તે કરી લેતો હતો. અમારૂ જૂનું બેંક એકાઉન્ટ હતું, તેની ચોપડી પ્લાસ્ટીકની થેલીમાં સાચવીને રાખી હતી. જ્યારે પૈસા મળે તો ત્યાં જઇને જમા કરાવી આવતો હતો. કેટલાય વર્ષો રસ્તા પર જ તડકો, છાંયડો અને વરસાદ વેઠ્યો તે આજે યાદ નથી. મારા દિકરાને ભણવા ગાજરાવાડી વિસ્તારમાં આવેલી સ્કુલમાં ભણવા મોકલ્યો હતો. અને મારા એક પરિચીતના ઘરે તે રહેતો હતો. તેને ભણવામાં જે કંઇ જોઇએ તે હું લાવી આપતો હતો. સમયે સમયે તેને મળવા પણ જતો હતો. આજે બેંકની ચોપડી ક્યાં છે તેની ખબર નથી.
• તેઓ સારા હતા એટલે તેમણે ત્યાં એડમિશનની વ્યવસ્થા કરી આપી
વર્ષો પહેલા એક દિવસ મારો દિકરાને શાળામાં રજા હોવાથી અમે બંને ફૂટપાથ પર બેઠા હતા. તેવામાં કોઇ સરકારી અધિકારી આવ્યા હતા. અને તેમણે મારા બાળકને રહેવાની સુવિધાઓ વાળા બાળ ગોકુલમમાં એડમિશન અંગે વાત કરી હતી. તેઓ સારા હતા એટલે તેમણે ત્યાં એડમિશનની વ્યવસ્થા કરી આપી હતી. ત્યારથી મારો દિકરો બાળ ગોકુલમમાં રહીને ભણે છે. અને રજા હોય તે દિવસે હું અચુક તેને મળવા જાઉં છું.
• ફૂટપાથની જગ્યાએ મને અહિંયા સુવિધાસભર શેલ્ટર હોમમાં જોઇને ખુબ ખુશ થયો
અત્યારે મારો દિકરો ધો. 8 માં આવ્યો છે. અત્યાર સુધીમાં તે એક પણ વખત નાપાસ નથી થયો. પહેલા હું ફૂટપાથ પર દિવસો કાઢતો હતો, હવે શ્રવણ સેવા ફાઉન્ડેશન થકી હું પાલિકાના અટલાદરા શેલ્ટર હોમમાં રહું છું. થોડાક સમય પહેલા જ મારા દિકરાનું વેકેશન હોવાથી તે અહિંયા આવ્યો હતો. અને ફૂટપાથની જગ્યાએ મને અહિંયા સુવિધાસભર શેલ્ટર હોમમાં જોઇને ખુબ ખુશ થયો હતો.
• પુત્રનું સ્વપ્ન પૂર્ણ કરવા હું તેને તમામ મદદ કરીશ
મારો દિકરો મોટો થઇને આર્મીમાં જવા ઇચ્છે છે. તેનું સ્વપ્ન પૂર્ણ કરવા હું તેને તમામ મદદ કરીશ. તાજેતરમાં મારો દિકરો વેકેશનમાં મારી સાથે રહેવા આવ્યો ત્યારે તેને શ્રવણ સેવા ફાઉન્ડેશનમાં ઇન્ટરર્ન વિદ્યાર્થીઓએ શીખવ્યું હતું. તે વધુ સારા માર્કસ કેવી રીતે મેળવે, તથા ગણીત અને વિજ્ઞાનના વિષયોને રસપૂર્વક સમજાવ્યા હતા. વેકેશનમાં મારો પુત્ર બિમાર થતા તેને નિરવભાઇ ઠક્કર અને શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા જરૂરી દવાઓ અને સારવાર પણ કરાવી આપવામાં આવી હતી. હવે મારા પુત્રને ભણાવવું તે જ મારા જીવનનું એકમાત્ર લક્ષ્ય છે.