વડોદરાનું રેલવે ગરનાળાની જાળવણીમાં તંત્ર ઉણુ ઉતર્યું છે, આ વાતના અહિંયાથી પસાર થતા લોકો રોજ સાક્ષી બને છે. ચોમાસામાં પાણી ભરાઇ જવાથી લઇને ગટરની દુર્ગંધ મારવી અહિંયાની વર્ષો જૂની ખાસીયતોમાં સામેલ છે. ત્યારે કોની બેદરકારીને કારણે ગરનાળું આ પરિસ્થીતીમાં મુકાયું છે, તેને લઇને સોશિયલ મીડિયાની માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર પર ચર્ચા છેડાઇ જવા પામી છે. જેમાં સામાન્ય નાગરીકે ફરિયાદ કરતા રેલવેએ આ જવાબદારી પાલિકાની હોવાનું જણાવ્યું જ્યારે પાલિકાના કમિશનરે સ્પષ્ટતા કરી કે, ગરનાળુ રેલવે ઓથોરીટીની જવાબદારીમાં આવે છે. હવે આ મામલે જવાબદારીનો ખો એકબીજાને આપવાની જગ્યાએ નાગરિકની સમસ્યાનું ક્યારે સમાધાન આવે છે તે જોવું રહ્યું.
વડોદરાને રાજ્યની સંસ્કારી નગરી, કલા નગરી તરીકેનું ઉપનામ મળ્યું છે. અહિંયાના ગરબા વિશ્વ વિખ્યાત છે તો અહિંયાની કોલેજોમાં તૈયાર થતા આર્ટીસ્ટ દુનિયાભરમાં પોતાનું નામ કમાઇ ચુક્યા છે. પરંતુ શહેરમાં અનેક જગ્યાઓની સ્થિતી બદથી બદતર છે, આ કહેવામાં સહેજ પણ ખોટું નથી. આવી જ એક જગ્યા છે વડોદરાનું રેલવે સ્ટેશનું ગરનાળું. અહિંયાથી પસાર થતા સેંકડો વાહન ચાલકો દુર્ગંધ અને ખખડધજ્જ રસ્તાઓને લઇને રોજ પરેશાન થતા હોય છે. ચોમાસામાં તો અહિંયા ગટર ઉભરાવવાની ઘટનાઓ સામાન્ય બનતી હોય છે. ત્યારે સમસ્યાથી ત્રસ્ત દિવાંગ કિકાણી નામના યુઝરે ટ્વીટર પર રજૂઆત રૂપી ફરિયાદ કરતા લખ્યું કે,
ડીઆરએમ સર, પાલિકાના કમિશનર પાસેથી અલકાપૂરી ગરનાળાના રિડેવલપમેન્ટને લઇને સગડ મેળવો. કલા નગરીમાં આ કદરૂપુ દેખાઇ રહ્યું છે. પાણી દદળે છે. આગ લાગ્યા બાદ અહિંયા કોઇ બ્યુટીફિકેશનના પગલા લેવામાં આવ્યા નથી.
જેના જવાબમાં મ્યુનિસિપલ કમિશનર લખે છે કે, આ જવાબદારી રેલવે ઓથોરીટીની છે. અમે તેમને જાણ કરી દીધી છે.
It comes under @CommissionerVmc hence, kindly provide a suitable reply.
— DRM Vadodara (@DRMBRCWR) June 18, 2023
ઉપરોક્ત ટ્વીટના જવાબમાં ડીઆરએમ વડોદરા જણાવે કે, આ જવાબદારી વડોદરા પાલિકાની છે. યોગ્ય જવાબ જણાવવો
આમ, આ અંગેની સ્પષ્ટ જવાબદારી કોઇ વિભાગ લેવા તૈયાર નથી. વડોદરાના લોકોને કોની જવાબજદારીમાં આવે છે તે વાતથી ઓછી નિસ્બત છે. અને આ સમસ્યાનો સત્વરે નિકાલ આવે તેમાં વધારે રસ છે. હવે તે જોવું રહ્યું કે, આખરમાં જવાબદારી કોની સામે આવે છે. અને જવાબદારી સ્પષ્ટ થયા બાદ નાગરિકોની સુખાકારી માટે શું પગલાં અને કેટલા સમયમાં લેવામાં આવે છે.