વડોદરા, તા. 2 માર્ચ
રાજ્યમાં પ્રથમ વખત વડોદરામાં સેવા મનોરથ સમિતી (SMS) દ્વારા પ્રથમ વખત આંગણવાડીમાં પ્રોજેક્ટ ટેક ઉડાન શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આંગણવાડીમાં ભણતા બાળકો માટે ઇન્ટરનેટ સહિત કોમ્પ્યુટર લેબ ખોલવામાં આવી છે. આયોજક દિપ પરીખ જણાવે છે કે, વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકની સાથે કોમ્પ્યુટર થકી ઝડપથી શીખે, અને તેમના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાંખશે તેવો અમને વિશ્વાસ છે. વડોદરામાં અગોરામોલ પાછળ આવેલી આંગણવાડીમાં રાજ્યની પ્રથમ કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં આવી છે
સેવા મનોરથ સમિતી (SMS) ના ફાઉન્ડર દિપ પરીખ જણાવે છે કે, રાજ્યમાં પ્રથમ વખત આંગણવાડીમાં અમારા દ્વારા કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં આવી છે. આ લેબમાં વિદ્યાર્થીઓ માટે હાલ બે કોમ્પ્યુટર સિસ્ટમ મુકવામાં આવી છે. આ કોમ્પ્યુટર સિસ્ટમ થકી શરૂઆતના સમયમાં બાળકો પશુ-પક્ષી, શાકભાજી, ફળો, વિવિધ રંગો, એબીસીડી જેવા વિષયો અંગે જાણશે. અમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે, જેમ બાળકો પાઠ્ય પુસ્તકોના માધ્યમથી ભણવા-ગણવાનું શીખે, તે જ રીતે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને તેમના જ્ઞાનને વધુ સુદ્રઢ બનાવે. બાળકો સમજણા થાય તે ઉંમરથી કોમ્પ્યુટરનો સદઉપયોગ કરતા શીખે તો તેઓને ભવિષ્યમાં વધુ સારી રીતે આગળ વધમાં મદદરૂપ થઇ શકે છે, આ વાતનો અમને વિશ્વાસ છે.
દિપ પરીખ જણાવે છે કે, રાજ્યમાં આ પ્રકારનો પ્રયોગ અમે પ્રથમ વખત કરી રહ્યા છે. ટુંક સમયમાં શહેરમાં અન્ય 4 જેટલી આંગણવાડીઓમાં આ પ્રકારે કોમ્પ્યુટર લેબ શરૂ કરવાનું અમારૂ પ્લાનીંગ છે. અમારી કોમ્પ્યુટર લેબમાં ઇન્ટરનેટની સુવિધા પણ હશે, જેથી બાળકો કોમ્પ્યુટર સાથે ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરવાનું શીખશે. આ માટે અનુભવી શિક્ષકની નિમણુંક કરવામાં આવી છે. હાલ આંગણવાડીમાં 2 કોમ્પ્યુટર ડિવાઇઝ મુકવામાં આવ્યા છે. આવનાર સમયમાં જરૂર પ્રમાણે તેમાં વધારો કરવામાં આવશે
સ્થાનિક કોર્પોરેટર ડો. રાજેશ શાહ જણાવે છે કે, સેવા મનોરથ સમિતિ (SMS) દ્વારા રાજ્યમાં પ્રથમ વખત સેવા વસ્તીમાં આવેલી આંગણવાડીમાં મુકવામાં આવેલા ઈન્ટરનેટની સુવિધા સાથેના કોમ્પ્યુટર નાના ભૂલકાઓના ઘડતરમાં ટેકનોલોજીનો મહત્વનો પાયો નાખશે. આવનાર સમયમાં તેના સુખદ પરીણામો આપણી સમક્ષ હશે. દીપ પરીખ અને તેમની ટીમના આ પ્રયાસની સરાહના કરીએ તેટલી ઓછી છે.
શાળાએ જતા બાળકોને શિષ્યવૃત્તિ આપવાનું પણ આયોજન
પ્રોજેક્ટ પ્રોજેક્ટ ટેક ઉડાન અંતર્ગત મુકવામાં આવેલા કોમ્પ્યુટર્સનો આંગણવાડીમાં ભણતા વિદ્યાર્થીઓ ઉપયોગ કરશે. તે બાદ પીએમ આવાસ યોજનામાં રહેતા અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓેને પણ કોમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં આવનાર છે. તે દરમિયાન ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને અલગ તારવામાં આવશે. અમારા દ્વારા આવા ટેલેન્ટેડ 5 વિદ્યાર્થીઓને પ્રોફેશનલ કોર્ષમાં એડમિશન શિષ્યવૃત્તિના ભાગરૂપે કરાવી આપવામાં આવશે.