● VMC દ્વારા અપાતી એક બેગ ની કિંમત લગભગ ₹11,000 છે.
● આ વખતે ભાજપના શહેર પ્રમુખ અને મહામંત્રીઓ તેમજ ધારાસભ્યોને પણ બેગ આપવાનું નક્કી કર્યું છે.
● વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્રિકેટની ટીમ પાછળ રૂપિયા 12 થી 15 લાખ નો વાર્ષિક ખર્ચ થતો હોય છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટ બેઠક બાદ તમામ કોર્પોરેટરોને બેગ આપવાની પ્રણાલિકા રહેલી છે જેમાં આ વખતે કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત ધારાસભ્યો, ભાજપના પ્રમુખ અને મહામંત્રીઓ ને પણ બેગ આપવાની પ્રથા શરૂ થતાં વિવાદ થયો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે બજેટ બેઠક બાદ કોર્પોરેશનના તમામ 76 કોર્પોરેટરોને સારી ક્વોલિટીની અને મોંઘી બેગ આપવામાં આવતી હતી તેમાં આ વખતે વધારો કરી બેગ આપવાનો નિર્ણય કર્યો હતો જેની બેગની ₹ 11000 ની કિંમત થાય છે તદુપરાંત ભાજપના શહેર પ્રમુખ અને મહામંત્રીઓ તેમજ ધારાસભ્યોને પણ બેગ આપવાનું નક્કી કર્યું છે. જેની પાછળ અંદાજે ₹ 38 લાખનો ખર્ચ થશે.
અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટરોને અત્યાર સુધી બેગ આપવામાં આવતી હતી પરંતુ થોડાક વખત પહેલાં વિવાદ થતાં અધિકારીઓને બેગ આપવાની પ્રથા બંધ કરી હતી ત્યારબાદ કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલી વખત ભાજપના શહેર પ્રમુખ, પાંચ ધારાસભ્યો અને પક્ષના ત્રણ મહામંત્રીને પણ બેગ આપવાની પ્રથા શરૂ થતાં રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.
ક્રિકેટ પાછળ કોર્પોરેશનની ટીમો તૈયાર કરવા લાખોનો ખર્ચો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 2 ક્રિકેટ ટીમો હાલમાં સક્રિય છે જેમાં મેયર ઇલેવન અને મ્યુનિસિપલ કમિશનર ઇલેવનની ટીમોને તૈયાર કરવા પ્રેક્ટિસ અને તેઓને ક્રિકેટની કીટ આપવા પાછળ દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્રિકેટની ટીમમાં પસંદગી માટે પણ વહાલા દવલાની નીતિ ચાલતી હોય છે ત્યારબાદ ક્રિકેટ મેચ હોય ત્યારે તેઓની પ્રેક્ટિસ કરવાથી માંડી ક્રિકેટની કીટ પણ બંને ટીમના ખેલાડીઓને આપવામાં આવતી હોય છે. જેની પાછળ રૂપિયા 12 થી 15 લાખ નો વાર્ષિક ખર્ચ થતો હોય છે.
આ વર્ષે ગુજરાતના મ્યુનિસિપલ કોર્પોરેશનની ક્રિકેટ મેચ સુરત ખાતે યોજાનાર છે ત્યારે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે બંને ટીમના ખેલાડીઓને માત્ર કીટ પાછળ જ રૂ. દસ લાખનો અંદાજીત ખર્ચ થવાનો છે તેમ જાણવા મળે છે.
Source : Gujarat Samachar