વડોદરા : પારુલ યુનિ.ની વિદ્યાર્થિની પર બળાત્કારના બનાવ બાદ વિદ્યાર્થિનીની ઓળખ છતી કરી વિદ્યાર્થિની પર માનસિક બળાત્કાર ગુજારનાર પારુલ યુનિ.ના નાયબ કુલસચિવ ડો.અજીત ગંગવાણેની આખરે વાઘોડિયા પોલીસે આજે ભારે હૈયે ધરપકડ કરી હતી. જાેકે ધરપકડ બાદ વાઘોડિયા પોલીસે અજીત ગંગવાણેની સરભરા રહી અને તેમની સુરક્ષા માટે બાઉન્સરની ભુમિકામાં રહી મિડિયાને તેમનાથી દુર રાખવા તમામ પ્રયાસ કરતા વાઘોડિયા પોલીસ વધુ એક વાર આરોપીઓની તરફેણ કરવાના આક્ષેપોમાં ઘેરાઈ છે.
વડોદરામાં રહેતી ૩૧ વર્ષીય દિવ્યા (નામ બદલ્યુ છે) વાઘોડિયાની પારુલ યુનિ.માં આસી.પ્રોફેસર તરીકે બે વર્ષ સુધી ફરજ બજાવી હતી અને તે ગત ૨૦૧૯થી પારુલ યુનિ.માં પીએચડીની વિદ્યાર્થિની તરીકે અભ્યાસ કરે છે. તેે પારુલ યુનિ.ના પ્રોફેસર નવજ્યોત ત્રિવેદીના માર્ગદર્શનમાં પીએચડી કરતી હોઈ પ્રોફેસર નવજ્યોતે ગુરુ-શિષ્યાના પવિત્ર સંબંધોને ભુલીને દિવ્યા પર વાઘોડિયા તેમજ સ્ટડીટુર દરમિયાન અલગ અલગ સ્થળે બળાત્કાર ગુજાર્યો હતો. પ્રોફેસર નવજ્યોત વિરુધ્ધ દિવ્યાએ વાઘોડિયા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતા પારુલ યુનિ.ના નાયબ કુલસચિવ ડો.અજીત ગંગવાણેએ પારુલ યુનિ.ના લેટરપેડ પર નવજ્યોત અને દિવ્યાના નામજાેગ અખબારી યાદીમાં ખુલાસો કર્યો હતો. સોશ્યલ મિડિયામાં આ યાદી વાયરલ થતાં દિવ્યાની સાચી ઓળખ છતી થઈ હતી. પોતાની બદનામી કરવા બદલ બળાત્કાર પિડિતા દિવ્યાએ પારુલ યુનિ.ના પ્રમુખ ડો.દેવાશું પટેલ સહિતના સંચાલકો સામે ફરિયાદ નોંધવા માટે અરજી કરી હતી પરંતું જિલ્લા પોલીસે આ અરજી મુજબ ફરિયાદ નહી નોંધવા તમામ પ્રયાસો કર્યા હતા. જાેકે દિવ્યાએ સુપ્રિમકોર્ટમાં દાદ માંગતા આખરે જિલ્લા પોલીસે તેની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી અને અપેક્ષા મુજબ બળાત્કાર પિડિતાને બદનામ કરવાના બનાવમાં માત્ર પારુલ યુનિ.ના નાયબ કુલસચિવ ડો.અજીત ગંગવાણે સામે ફરિયાદ નોંધી અન્ય સંચાલકોને બચાવી લીધા છે.
આ ફરિયાદ બાદ આજે વાઘોડિયા પોલીસ મથકમાં હાજર થયેલા ડો.અજીત ગંગવાણેની પોલીસ ભારે હૈયે ધરપકડ કરી હતી અને તેમને પારુલ યુનિ.ના સિક્યુરીટી ઓફિસર રામગઢિયા જે જિલ્લા પોલીસના નિવૃત નાયબ પોલીસ અધિક્ષક છે તે અને અન્ય લોકાને મિડિયાથી દુર રાખવા વાઘોડિયા પોલીસે બાઉન્સરની ભુમિકા ભજવી હતી અને આરોપી અને તેમના શુભેચ્છકોને આરામથી બેસવા માટે પોલીસ મથકની એક રૂમ ફાળવી દીધી હતી. આ અંગે વાઘોડિયા પોલીસ મથકના પીએસઆઈ એ.એન.પ્રજાપતિએ જણાવ્યું હતું કે આરોપી ડો.અજીત ગંગવાણેની આજે બપોરે ધરપકડ કરાઈ છે અને તેમની પુછપરછ ચાલુ છે. તે આ અખબારી યાદી કેવી રીતે પ્રસિદ્ધ થઈ તેની મને જાણ નથી તેવો બચાવ કરે છે માટે પોલીસે ઉક્ત ગુનામાં વપરાયેલો તેમનો મોબાઈલ ફોન હાલમાં કબજે કરી તેને એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. મોડી સાંજ સુધી ડો.અજીત ગંગવાણેની પુછપરછ ચાલુ હોઈ તેમનો જામીન પર છુટકારો થયો નથી પરંતું થોડી વારમાં જામીન રજુ કરતા તેમનો છુટકારો થઈ જશે તેમ પોલીસે જણાવ્યું હતું.
નિવૃત્ત પોલીસ અધિકારી રામગઢિયાની વર્દી ગઈ પરંતુ રોફ યથાવત્
જિલ્લા પોલીસના નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક રામગઢિયા હાલમાં નિવૃત્ત થયા છે. તેમની પાસેે હવે ખાખી વર્દી તો નથી રહી પરંતું પોલીસ અધિકારી તરીકેનો રોફ હજુ પણ યથાવત હોવાનું આજે પુરવાર થયું હતું. આરોપી અજીત ગંગવાણે સાથે રામગઢિયા પણ વાઘોડિયા પોલીસ મથકમાં આવ્યા હતા. આરોપીઓ જાણે મોંઘેરા મહેમાન હોય તેમ વાઘોડિયા પોલીસે તેઓની સરભરામાં લાગી હતી અને આરોપી તેમજ તેમની સાથેના લોકોને એક અલગ રૂમમાં ફાળ્યો હતો. આ સમયે મિડિયાએ આરોપીનો ફોટો પાડવા પહોંચતા જ રામગઢિયાએ ઉશ્કેરાઈને તુરંત જાેશભેર દરવાજાે બંધ કરી દીધો હતો.
પીએસઆઈ પ્રજાપતિની ચાપલુસીની હદ…મીડિયાને શું જરૂર છે ફોટા પાડવાની
આરોપીઓને મિડિયાથી બચાવવા માટે અગાઉ પણ વિવાદમાં સપડાયેલા વાઘોડિયા પોલીસ મથકના પીએસઆઈ પ્રજાપતિએ આજે પણ બળાત્કાર પિડિતાની ઓળખ છતી કરી બદનામ કરનાર આરોપીની તરફેણ કરી હતી. નિવૃત પોલીસ અધિકારી રામગઢિયા શા માટે પોલીસ મથકમાં આરોપી સાથે આવ્યા હતા અને તેમણે કયા અધિકારથી મિડિયાને ફોટા પાડવા દુર રાખી દરવાજાે બંધ કર્યો હતો તેના જવાબમાં પીએસઆઈ પ્રજાપતિએ ‘મિડિયાને આરોપીના ફોટા પાડવાની શું જરૂર છે ?’ તેવો નફ્ફટાઈભર્યો પ્રશ્ન કર્યો હતો તેમજ રામગઢિયા સહિત અન્ય લોકોને નિવેદન લેવા માટે સમજ કરી હતી માટે તે આવ્યા હતા તેવો બચાવ કર્યો હતો.
આજે સવારે દસ વાગે પોલીસ મથકે હાજર રહેવા જાણ કરવા છતાં ડો.અજીત ગંગવાણે પારુલ યુનિ.ના સિક્યુટીરી ઓફિસર રામગઢિયા સહિત અન્ય લોકો સાથે ચુપચાપ પોલીસ મથકમાં આવી ગયા હતા અને અગાઉથી કરેલા આયોજન મુજબ અલગ રૂમમાં બેસીને વાતચિત શરૂ કરી હતી. આ દરમિયાન મિડિયા કર્મીઓ આવી જતા ડો.અજીત મિડિયામાં પોતાનો ચહેરો જાહેર ના થાય તે માટે તેમના હાથમાં રાખેલી ગુલાબી રંગની ફાઈલ સતત મોંઢા પર ઢાંકી મુકી હતી. એક નિર્દોષ બળાત્કાર પિડિતા વિદ્યાર્થિનીની ઓળખ છતી કરી દઈ તેને બદનામ કરનાર ડો.અજીતને પણ બદનામીની પિડા કેવી હોય છે તેનો આજે જાતઅનુભવ થયો હતો.