દર વર્ષે જ્યારે સાર્વજનિક ગણેશ ઉત્સવની વાત આવે ત્યારે આપણું મન કોઈને કોઈ પ્રકારના ભાવને વશ થઇને, જાણતા-અજાણતાં એવું આયોજન કરી બેસે છે જેના કારણે કૈલાસ નિવાસી ગણેશજીને પ્રિય એવા પર્યાવરણને નુકશાન પહોંચે છે.
આથી પર્યાવરણને બને તેટલું ઓછું નુકશાન થાય, લોકમાન્ય બાળગંગાધર તિળકે જે હેતુથી આ ઉત્સવને સાર્વજનિક રીતે ઉજવવાનો શરૂ કર્યો તે હેતુ પણ જળવાય, તથા મુર્તિકારોને પણ અન્યાય ન થાય એવી રીતે આપણે સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવવાની તૈયારીઓ કરવી આવશ્યક બને છે.
ઐતિહાસિક પુરાવા પ્રમાણે મહારાષ્ટ્રના પુણે શહેરથી આ સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવવાની શરૂઆત થઇ. પ્રથમવાર જે સાર્વજનિક ગણેશ ઉત્સવોના મંડળો બન્યાં તેમાનું એક મંડળ એટલે પુણેના દગડુશેઠ હલવાઈના ગણપતિનું આયોજક મંડળ. દગડુશેઠને સ્વપ્નમાં જે સ્વરૂપે ગણેશજીને દર્શન આપ્યા એ જ સ્વરૂપની તેમણે માટીના ગણેશજીની પ્રતિમાં તૈયાર કરી જે આજે “શ્રીમંત શ્રીદગડુશેઠ હલવાઈ ગણપતિ”ના નામે પ્રસિધ્ધ છે. આજે ૧૨૮ વર્ષમાં માત્ર એક જ વાર આ માટીના ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું છે, જે વર્ષે વિસર્જન કરવામાં આવ્યું હતું તે વર્ષે વિસર્જિત મૂર્તિની માટીમાંથી જ નવી ગણેશ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આમ દર વર્ષે ત્યાં સાર્વજનિક ઉત્સવ દરમ્યાન માત્ર નાની સ્થાપના મૂર્તિનું જ વિસર્જન કરવામાં આવે છે જ્યારે ગણેશજીની મુખ્ય પ્રતિમાને પુન: નિજ મંદિરમાં સ્થાપિત કરી સેવા કરમાં આવે છે.
પુણેમાં ચાલતી આ પ્રવાહી પરંપરાથી પ્રેરણા લઈને વડોદરાના રહેવાસી જય મકવાણાના નિવાસ સ્થાને પણ છેલ્લાં ૬ વર્ષથી ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું નથી. માટીની નાની સ્થાપના મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે પરંતુ પર્યાવરણને બને તેટલું ઓછું નુકશાન પહોંચે તે વાતને ખાસ ધ્યાનમાં રાખીને ગણેશજીની મોટી પ્રતિમાનું તેમને ત્યાં વિસર્જન કરવામાં આવતું નથી. માત્ર ગંગાજળ અને અક્ષતથી ગણેશજીને વધાવી લઈ તેમનું ઉથ્થાપન કરી લેવામાં આવે છે. આ સિવાય આજ રીતે વડોદરાના ખોડીઆમલી, બાળ પ્રગતિ યુવક મંડળ દ્વારા છેલ્લા ચાર-પાંચ વર્ષથી ઈચ્છાપૂર્તિ ગણેશજીની વિશાળાકાય પ્રતિમાનું પણ વિસર્જન કરવામાં આવતું નથી જે પણ સરાહનીય વિચાર છે.
છેલ્લા છ વર્ષથી વડોદરામાં ગણેશ કથાનું આયોજન કરવામાં આવે છે. કોરોનાને કારણે આ વર્ષે ઓનલાઈન ગણેશ કથાનું આયોજન આપણા I am Vadodara ના પેજ દ્વારા રાખવામાં આવેલ છે. જેની તારીખ અને સમય ટૂક સમય માં આપના સોશિયલ પ્લૅટફૉર્મ પર કરવામાં આવશે.