પૂજ્ય સાવલીવાળા સ્વામીજીનું એક સ્વપ્ન હતું વડોદરા શહેરમાં સુરસાગરની મધ્યમાં ભગવાન શિવજીની મૂર્તિનું સ્થાપન થાય, તેમજ જાગનાથ મહાદેવમાં એક વિશાળ ગણેશજીની સ્થાપના થાય તેથી જાગનાથ મહાદેવનો પણ જીર્ણોધાર થાય. તેઓ ૧૯૯૦ માં દેવલોક પામ્યા તેના એકાદ સપ્તાહ પહેલાં શ્રી યોગેશભાઇ પટેલ અને શ્રી પિયુષભાઇ શાહને એક શ્રીફળ આપ્યું અને જણાવ્યુ કે વડોદરા શહેરમાં શિવ પરિવાર ની નગરચર્યા થાય અને દર મહાશિવરાત્રીના દિવસેજ આ નગરચર્યા થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી. અને આખું વર્ષ તેના સ્થાન પર બિરાજમાન રહે.
સ્વામીજી ૧૯૯૦ માં દેવલોક પામ્યા પરંતુ ત્યારબાદ પૂજ્ય પ્રમુખ સ્વામીજીના આશિર્વાદથી સુરસાગરની મધ્યમાં ૧૯૯૬ માં સર્વેશ્વર મહાદેવની ૧૧૧ ફુટ ઉંચાઇનું નિર્માણ કાર્ય ચાલુ થયુ સને ૧૯૯૬ માં ગોકુળાષ્ટમીનાં પવિત્ર દિવસે ગુજરાત રાજ્યનાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી સુરેશભાઇ મહેતાની સાથે ગુજરાત રાજ્યના તત્કાલીન ૮ મંત્રીશ્રીઓ જે તે સમયે ભૂમિપુજનમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ આ કામગીરી શરૂ થઈ અને ૧૯૯૭ ની મહાશિવરાત્રીના દિને પેડેસ્ટલનું કામ પૂર્ણ થયું. પૂજ્ય પ્રમુખ સ્વામીજીના અને પ.પૂ દ્વારકેશ લાલજી મહારાજનાં હસ્તે સર્વેશ્વર મહાદેવજીના ચરણની પુજા કરી ભગવાન, સર્વેશ્વરની પ્રતિમાની કામગીરી શરૂ થઇ અને સને ૨૦૦૨ માં પ્રમુખ સ્વામીના હસ્તે લોકાર્પણ થયું.
આવતી કાલે ૨૫ મી મહાઆરતીનું આયોજન થઇ રહ્યું છે ત્યારે અગાવ આ મહાઆરતીમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, શ્રીમતી આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આ મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વિજયભાઇ અનેક વખત જોડાયા છે.
છેલ્લા ૮ વર્ષોથી શિવ પરીવાર યાત્રા રણમુક્તશ્વર મહાદેવથી મહાશિવરાત્રીનાં દિને શરૂ થઇ જે પ્રતાપનગરથી – ચોખંડી – માંડવી – ન્યાયમંદિર થઈ શાક માર્કેટ – ફાયર બ્રિગેડ – સુરસાગર ખાતે પહોચે છે અને ત્યારબાદ મહાઆરતીમાં હજારો ભક્તો જોડાય છે.
આ યાત્રામાં અનેક શાળાઓ, અખાડા, સંસ્થાઓ, ધર્મગુરૂઓ, NGO, વિવિધ ફ્લોટ્સ સાથે જોડાય છે. આમ મહાઆરતી બાદ શિવ પરીવાર યાત્રા પ્રતાપ ટોકીઝ, મહાત્મા ગાંધી નગરગૃહ, અમદાવાદી પોળ, કોઠી ચાર રસ્તા અને ઉદયનારયણ મંદિર કૈલાશપુરી ખાતે સંપન્ન થાય છે .
ભગવાન સર્વેશ્વર મહાદેવની ૧૧૧ ફુટની મૂર્તિને સુવર્ણજડિત કરવાની કાર્યવાહી “સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન” ના નેજા હેઠળ કામગીરી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે .
ભગવાન સર્વેશ્વર મહાદેવને સુવર્ણજડિત કરવા માટે ગત વર્ષે ઓગષ્ટ માસમાં રામજન્મ ભૂમિનું ભૂમિપૂજન થયું તેજ દિવસથી ભગવાન સર્વેશ્વર મહાદેવની ૧૧૧ ફુટ ઉંચી મૂર્તિની આસપાસ પાલક બાંધવાનું, મૂર્તિની સફાઈ કરવાનું તેમજ તેની ઉપર ઝીંકના સળીયા તેમન કોપરનાં સળીયાઓ ઓગાળીને ઢોળ ચઢાવવામાં આવ્યો છે. ત્યારબાદ સમગ્ર મૂર્તિને તાંબાના પતરાંથી મઢવામાં આવી રહી છે. અને ત્યાર બાદ સુવર્ણ જડીત કરવામાં આવશે.
આવતીકાલે શિવરાત્રીના દિને ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ, તેમજ ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખ શ્રી સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી મહાશિવરાત્રીનાં શુભ પ્રસંગે ભગવાન સર્વેશ્વર મહાદેવની ૧૧૧ ફુટ ઉંચી મૂર્તિના ચરણોમાં સોનુ ચઢાવશે.