શ્રવણ સેવા દ્વારા નિસહાય વૃદ્ધોને આપવામાં આવતા જમવાની ખાસીયત એવી છે કે જેવું આપણે જમવાનું પસંદ કરીએ છીએ, તેવી જ ગુણવત્તાવાળું જમવાનું પુરૂ પાડવામાં આવે છે
આ વર્ષે 30 જેટલા વૃદ્ધો નવા જોડી કપડાં અને ચપ્પલ પહેરી તથા અમારા દ્વારા આપવામાં આવેલા મિષ્ઠાન અને ફરસાણ આરોગીને નવા વર્ષને વધાવશે – નિરવ ઠક્કર
નિસહાય વૃદ્ધો માટે નાનકડો મેકઓવર, નવા નક્કોર કપડાની એક જોડી, હાઇજીન કીટ, મિષ્ઠાનનું બોક્સ આપવાનો નિર્ણય લીધો 10 દિવસમાં જ પાર પાડ્યો
આપણે પોતાની જાત માટે નવા વર્ષે નવા કપડાં, ચપ્પલ વગેરેની ખરીદી કરતા હોઇએ છીએ. પરંતુ નિસહાયને તો જે આપણે ના ઉપયોગમાં લઇએ તેવી વસ્તુઓ જ આપીએ છીએ – નિરવ ઠક્કર
વડોદરામાં પારિવારીક કારણોસર અથવાતો સંજોગોના માર્યા અનેક વૃદ્ધો નિસહાય બનીને ફુટપાથ પર તેમનું જીવન વિતાવી રહ્યા છે. નવ વર્ષ ટાણે તેમની સામે કોઇ જોવા તૈયાર નથી. વડોદરામાં માત્ર નિસહાય વૃદ્ધોના જીવનના ઉત્થાન માટે કાર્ય કરતી શ્રવણ સેવાના નિરવ ઠક્કરે નિસહાય વૃદ્ધોનું નવું વર્ષ સુધારવાના પ્રયત્નો કર્યા હતા. જેમાં પુરૂષ – મહિલા વૃદ્ધ મળીને તમામને એક જોડી કપડા, તેમના વાળ-દાઢી કપાવવા, હાઇજીન કીટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. જેને લઇને સંસ્કારી નગરી વડોદરાનું બિરૂદ વધુ એક વખત યુવકે ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું જોવા મળી રહ્યું છે.
શ્રવણ સેવાના નિરવ ઠક્કરે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા દ્વારા નિસહાય વૃદ્ધોને છેલ્લા 3 મહિનાથી નિશુલ્ક નિયમીત જમવાનું પુરૂ પાડવામાં આવે છે. અમારા જમવાની ખાસીયત એવી છે કે જેવું આપણે જમવાનું પસંદ કરીએ છીએ, તેવી જ ગુણવત્તાવાળું જમવાનું નિસહાય વૃદ્ધોને પુરૂ પાડવામાં આવે છે.
નવા વર્ષ નિમિત્તે અમારી ટીમ દ્વારા નિસહાય વૃદ્ધો માટે કંઇક અનોખુ કરવાની નેમ લેવામાં આવી હતી. અમારી ટીમે નિસહાય વૃદ્ધો માટે નાનકડો મેકઓવર, નવા નક્કોર કપડાની એક જોડી, હાઇજીન કીટ, મિષ્ઠાનનું બોક્સ આપવાનો નિર્ણય લીધો હતો. અમારી ટીમે 10 દિવસ પહેલાથી જ કામગીરી ચાલુ કરી દીધી હતી. અને ગતરોજ આયોજન બદ્ધ રીતે નિસહાય વૃદ્ધો સુધી પહોંચાડવાનું શરૂ કરી દીધું હતુ.
રસ્તાની બાજુમાં જ દાઢી કરાવી વાળ કપાવ્યા
નિરવ ઠક્કરે જણાવ્યું હતું કે, ગતરોજ અમારી ટીમે રસ્તાની બાજુમાં પડતર જગ્યા પર ખુરશી નાંખીને વૃદ્ધોના વાળ કપાવી આપ્યા હતા. અને તેમના દાઢી કરાવી આપી હતી. જેને લઇને તેઓમાં ખુશી જોવા મળી હતી. અને સહર્ષ તેઓએ અમારી સેવાનો લાભ લીધો હતો. કેટલાક વૃદ્ધોઓ તો મહિનાથી દાઢી અને વાળ કપાવ્યા ન હતા. આ વર્ષે 30 જેટલા વૃદ્ધો નવા જોડી કપડાં અને ચપ્પલ પહેરી તથા અમારા દ્વારા આપવામાં આવેલા મિષ્ઠાન અને ફરસાણ આરોગીને નવા વર્ષને વધાવશે.
શ્રવણ સેવા દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્પેશિયલ હાઇજીન કીટ
હાઇજીન કીટનો સામાન વૃદ્ધોને સાફ અને સ્વચ્છ રહેવામાં મદદ કરશે
નિરવ ઠક્કરે વધુમાં જણાવ્યું કે, શ્રવણ સેવાની ટીમ દ્વારા વૃદ્ધો માટે ખાસ હાઇજીન કીટ બનાવવામાં આવી છે. જેમાં બ્રશ, ટુથપેસ્ટ, ઉલ્યુ, શેમ્પુ, નાહવાનો સાબુ, બોડી લોશન, પાવડર, સેનીટાઇઝર, સહિતનો જરૂરી સામાન આપવામાં આવ્યો છે. જેનો ઉપયોગ કરીને વદ્ધો પોતાનો સાફ અને સ્વચ્છ રાખશે. અત્યાર સુધી નિસહાય વૃદ્ધો પાસે આ પ્રકારની કોઇ ચીજવસ્તુઓ ઉપલબ્ધ ન હતી. તેમના રોજીંદા સ્વાસ્થ્યની કાળજી રાખવા હેતુથી અમે જરૂરી ચીજવસ્તુઓ આપી હતી. આગામી સમયમાં પણ નિયમીત રીતે આ બધું તેમને પહોંચાડવામાં આવશે.
નવા વર્ષે વૃદ્ધો પાસે નવા નક્કોર કપડાં, એક જોડી ચપ્પલ હશે
નિરવ ઠક્કરે ઉમેર્યું કે, આપણે પોતાની જાત માટે નવા વર્ષે નવા કપડાં, ચપ્પલ વગેરેની ખરીદી કરતા હોઇએ છીએ. પરંતુ નિસહાયને તો જે આપણે ના ઉપયોગમાં લઇએ તેવી વસ્તુઓ જ આપીએ છીએ. અમારી ટીમ દ્વારા દિવાળી અગાઉ વૃદ્ધોનું માપ લઇને તેમની સાઇઝના કપડા લીધા છે. તથા તેમના પગનું માપ લઇને તેમની માટે નવા ચપ્પલની ખરીદી કરી છે. જે ગતરોજથી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે અનેક વૃદ્ધો પાસે પોતાના નવા નક્કોર કપડાં અને એક જોડી ચપ્પલ હશે. જેનો અમારી સમગ્ર ટીમને ખુબ જ આનંદ છે.