● પાલિકાના ફેસબુક પેજને માત્ર 17 હજાર લોકોએ પસંદ કર્યું.
● લોકો દ્વારા ફરિયાદ મળતા પાલિકા દ્વારા એક જ સરખો જવાબ સોશ્યિલ મીડિયા પર મળે છે , તમારી ફરિયાદ આગળ જણાવી દેવામાં આવી છે.
● કામગીરીની મોટાભાગની પોસ્ટ ઉપર આક્રોષિત કોમેન્ટનો મારો ; પસંદકાર નહીવત.
વડોદરા શહેરમાં પ્રતિદિન વડોદરા મહાનગર પાલિકા સામે નગરજનો અવાજ ઉઠાવી સમસ્યા ની વેદના દર્શાવતા હોય છે. ત્યારે હવે સોશિયલ મીડિયા ઉપર પણ પાલિકાને આ વેદના સહન કરવાનો વારો આવ્યો છે. વડોદરા મનપાના ફેસબુક પેજ ઉપર પાલિકાની કામગીરી સામે નગરજનો બળાપો કાઢી રહ્યા છે. જ્યારે પસંદગી કરતાંની સંખ્યા નહીવત હોય પાલિકા સોશિયલ મીડિયા ઉપર પણ નગરજનો વિશ્વાસ કેળવવા માં નિષ્ફળ નિવડયું છે તે એક કડવી હકીકત છે.
આજના આધુનિક યુગમાં સામાન્ય વ્યક્તિથી લઈ મોટા ભાગે તમામ વ્યક્તિઓ સોશિયલ મીડિયા ઉપર નિર્ભર બની છે. રાજકીય પક્ષો પણ પોતાનો પ્રચાર અને સેવાકીય કાર્યો પણ સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે. સર્વોચ્ચ અદાલત પણ સ્વીકારી ચૂકી છે કે આજના યુગમાં સોશિયલ મીડિયાની બાબતો ખૂબ ઝડપથી પ્રસરે છે. દેશ-વિદેશની ઘટનાઓ હોય કે પછી મુવી મનોરંજન હોય આજના યુગમાં વ્યક્તિ સોશિયલ મીડિયા ઉપર નિર્ભર બની છે. ડિજિટલ ભારત ના ઉદ્દેશ સાથે દેશ વિકાસની ગતિ તરફ આગળ નીકળી રહ્યો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા સોશિયલ મીડિયા ઉપર નગરજનો નો વિશ્વાસ કેળવવા માં નિષ્ફળ નિવડયું છે. 21 લાખ થી વધુની વસ્તી ધરાવતા વડોદરા મહાનગર પાલિકાના ફેસબુક પેજને માંડ 17 હજાર લોકોએ પસંદ કર્યું છે. નવાઈની વાત તો એ છે કે, આ પેજ ઉપર વડોદરા મહાનગર પાલિકાની કામગીરીના ફોટા વિડિયો અપલોડ કરવામાં આવે છે. તેમાં એકાદ બે વ્યક્તિને બાદ કરતાં નગરજનો તંત્ર સામે આક્રોશ દર્શાવતી કોમેન્ટ લખી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જે દર્શાવે છે કે પાલિકાની કામગીરીથી નગરજનો ખુશ નથી. પાલિકાની કોરોના ,પેચવર્ક ,રોડ-રસ્તા આરોગ્યના દરોડા , ડ્રેનેજ , ડીમોલેશન, ઢોર પકડવાની કે પછી સફાઇની કામગીરી હોય પાલિકાએ અપલોડ કરેલી પોસ્ટને સીમિત લોકો જ પસંદ કરી અને શેર કરી રહ્યા છે. જ્યારે નારાજગી દર્શાવતા નાગરિકોની સંખ્યા વધુ છે. ઘણીવાર પાલિકા પોતાની અપલોડ કરેલી પોસ્ટ ડીલીટ કરી ઢાંકપિછોડોનો પ્રયાસ પણ કરે છે. આજના યુગમાં સોશિયલ મીડિયા મહત્વનો ભાગ ભજવે છે ત્યારે સોશિયલ મીડિયા ઉપર પાલિકાની નિષ્ફળતાએ હવે અનેક સવાલો ઉભા કર્યા છે.